અનુવાદક : ડૉ.તૃપ્તિ દવે જોશી
એ પીપળાના વૃક્ષની ચારેય બાજુએ ઊંચા મકાનો ઊભા હતા. ક્યારેક એની ફરતે ફળદાયી વૃક્ષો લાગેલા હતા. જ્યારે તેઓ નાના બાળક હતા, ત્યારે જ તેમણે આ પીપળાનો છોડ જમીનમાં રોપેલ હતો. પીપળો પણ તેમની સાથે જ ખૂબ વધતો ગયો અને ઘટાદાર વૃક્ષ બની ગયો હતો.બીજી બાજુ, વિકસતું શહેર તેની વિસ્તરણવાદી નીતિ હેઠળ અહીં સુધી વિસ્તરી ગયું હતું.
તેઓ થોડી થોડી જમીન વહેંચતાં ગયા.વૃક્ષો કપાતા કપાતા તેમનું અસ્તિત્વ ગુમાવતા ગયા. તેમણે પીપળા તરફ જોયું. તે પીપળો જાણે એમને કહી રહ્યો હતો,- “ એક હું બચ્યો છું અને એક તું બચ્યો છે. થોડાં દિવસો પછી આપણે પણ અસ્તિત્વ ખોઈ બેસીશું.આમ જ આ દુનિયા વિનાશ પામશે……..”
“ નહીં, નહીં ” – તેઓ ગણગણી ઉઠ્યા – “ આ સુંદર જગત આમ જ વિનાશ નહીં પામે.”
બજારે જઈને તેઓ થોડા છોડ લઈ આવ્યા. પછી ખરપડી લઈને એક જગ્યા પર ખાડો ખોદવા લાગ્યા.એક છોડ રોપ્યા પછી તેઓ બીજી જગ્યા પર ખાડો ખોદવા લાગ્યા.
“હું પણ તમને મદદ કરું?”
અવાજ સાંભળીને તેઓ ચોંક્યા. તેમણે ઊંચું જોયું. એક નાનો છોકરો તેની પાસે ઉભો હસતો હતો.
તેઓ બોલ્યા ,- “ હા – હા , કેમ નહીં !”
બાળકની મદદ લઈને તેમણે બીજો છોડ રોપ્યો.
ત્રીજી જગ્યા પર જતાં જ બીજા થોડાં બાળકો પણ ત્યાં આવી પહોંચ્યા.
“અમે પણ ઝાડ લગાવીશું.” – એક સાથે અવાજ ગુંજ્યો.
“સારું બાળકો તમે પણ આવી જાઓ.”- તેઓ હસ્યા.
જોતજોતામાં ત્યાં (ડઝનો) ઘણાં બધા છોડ રોપાઈ ગયા. તેમણે પીપળા તરફ જોયું. તે જાણે એમને કહી રહ્યો હતો – “ નહીં નહીં, હવે જગત નાશ નહીં પામે; કારણકે તમે નવી પેઢીની મદદ લીધી છે. જેઓ નિર્દોષ અને નિષ્કપટ છે, માટે ચોક્કસ જગતની રક્ષા થશે.”