जून 2026

भाषान्तरकर्ज़/ ઋણઅંજુ ખરબંદા     Posted: February 1, 2026

अनुवादक-डॉ. तृप्ति दवे जोशी-  અનુવાદક : ડૉ.તૃપ્તિ દવે જોશી                  

 “સાહેબ! બાર હજાર રૂપિયા એડવાન્સ જોઈએ છે.” પટાવાળા રામચંદ્રે ચા નો કપ એકાઉન્ટન્ટના ટેબલ પર મુકતા કહ્યું.

“હજી ગયા અઠવાડિયે જ તો ત્રણ હજાર એડવાન્સ લીધા, આ અઠવાડિયે ફરી….. તારો બધોજ પગાર તો આમ જ ઉડી જશે!”(હિસાબનીશ) એકાઉન્ટન્ટ સાહેબે ભવાં ચડાવીને કહ્યું.

“ સાહેબ ગયા અઠવાડિયે તો દીકરીના એડમિશન નું ફોર્મ ભરવાનું હતું , આ અઠવાડિયે ફી ભરવાની છે.”રામચંદ્ર ની આંખોમાં એક ચમક જોઈ એકાઉન્ટન્ટ સાહેબે ઉંચા અવાજે ખીજાતા કહ્યું, – “ તો આવતો મહિનો ઉપવાસ જ કરવાના છે કે શું! કોઈ દીકરી માટે પોતાનો પૂરેપૂરો પગાર આવી રીતે ઉડાવતું હશે કંઈ!”

“ ના ના સાહેબ , દીકરો હોય કે દીકરી ! છે તો મારા જ સંતાનો ને! આવતા મહિનાની ચિંતા ઈશ્વર કરશે.” રામચંદ્રના અવાજમાં નિશ્ચિંતતા હતી.

“મૂર્ખ છે સાલો!” ચા નો કપ મોઢે માંડતા એકાઉન્ટન્ટ સાહેબ મનમાં જ ગણગણ્યા.

“ મહેશ! રામચંદ્રને મારી ઓફિસમાં (કેબિન) મોકલી દે .” પોતાની કેબિનના કાચમાંથી આ દ્રશ્ય જોઈને વરિષ્ઠ અધિકારીએ એકાઉન્ટન્ટને ટેલીફોન પર કહ્યું.

“ જા મોટા સાહેબ અંદર બોલાવે છે. હવે એ જ સીધો કરશે તને!” એકાઉન્ટન્ટ સાહેબનો ઘમંડ તેની આંખોમાં દેખાઈ આવ્યો.

“નમસ્તે સાહેબ!” વરિષ્ઠ અધિકારીની ઓફિસમાં દાખલ થતાં રામચંદ્રે ગભરાટ(સંકોચ)સાથે કહ્યું.

“નમસ્તે, તારે એડવાન્સ જોઈએ છે?” વરિષ્ઠ અધિકારીનો ઊંચો(પડછંદ) અવાજ કેબિનમાં ગુંજી ઉઠ્યો.

“ જી! દીકરીના ભણતર માટે સાહેબ! તેને ભણવામાં ખૂબ જ રસ છે. મોટી અધિકારી બનવા માંગે છે!” રામચંદ્ર નો અવાજ ધ્રુજ્યો.

“અચ્છા!” વરિષ્ઠ અધિકારી વિચારમાં પડી ગયા. કેબિનમાં શાંતિ છવાઈ ગઈ.

“સાહેબ! એડવાન્સ મળી જાય તો……..!” ખૂબ હિંમત એકઠી કરીને રામચંદ્ર ડર સાથે બોલ્યો.

“આ લે!” દરવાજો ખોલીને વરિષ્ઠ અધિકારીએ એક કવર કાઢ્યું, તેમાં રૂપિયા મુક્યા અને કવર રામચંદ્ર ને આપ્યું.

“ આ શું છે સાહેબ! ” અજાણતા જ મોંમાંથી શબ્દો નીકળી ગયા.

“તારી દીકરીના ભણતર નો ખર્ચ! હવે તારે કોઈની પણ આગળ હાથ લાંબો કરવાની જરૂર નથી .”

“ પરંતુ……!”

તેના કપાળ પર ઊંડી ચિંતાની રેખાઓ દેખાઈ. મનમાં અનેકો પ્રશ્ન ઉઠવા લાગ્યા.

“ શું વિચારે છે કે કેવી રીતે આ ઋણ ચૂકવીશ !”

“………”  હવે રામચંદ્રના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળી શક્યો, જાણે કે જીભ તાળવે ચોંટી ગઈ હોય.

“ ચિંતા ન કર! આ ઋણ તારે નથી ચૂકવવાનું!”

વરિષ્ઠ અધિકારીએ રહસ્યમય રીતે કહ્યું, તો રામચંદ્રની બચેલી હિંમત પણ તૂટવા લાગી. મન માં તો વિચાર્યું કે બોલી જ નાખું, – “ સાહેબ અમે ગરીબ ચોક્કસ છીએ ,પરંતુ બેશરમ નથી.”

પરંતુ મોઢે કંઈ ન બોલી શક્યો. અચાનક જ વરિષ્ઠ અધિકારીનો ઊંચો અવાજ સાંભળીને તેની તંદ્રા તૂટી.

“ ….. બસ તારી દીકરીને મારાવતી એટલું કહેજે, જ્યારે ભણીગણી ને સક્ષમ બની જાય ,ત્યારે આમ જ કોઈ જરૂરતમંદ ની મદદ કરી દે! ત્યારે તારું ઋણ ચૂકવાઈ જશે!”

गतिविधियाँ

  • सम्पर्क:-

    सुकेश साहनी

    185,उत्सव,महानगर पार्ट–2
    बरेली–243122 (उ.प्र.)


    sahnisukesh@gmail.com

    रामेश्वर काम्बोज ´हिमांशु´

    रचनाएँ भेजने के लिए ई-मेल-:-

    laghukatha89@gmail.com

    विशेष सूचना-:-

    पूर्व अनुमति के बिना लघुकथा डॉट कॉंम की सामग्री का उपयोग नहीं किया जा सकता ।

    केवल स्वीकृत रचनाओं की ही सूचना दी जाती है।

    -सम्पादक द्वय

Design by TemplateWorld and brought to you by SmashingMagazine