લઘુકથા : ‘જરૂરિયાત’ – સીમા સિંહ
अनुवादकः तृप्ति दवे जोशी–અનુવાદક : ડૉ.તૃપ્તિ દવે જોશી
શૂટિંગ ની તૈયારીઓ ચાલતી હતી. સેટ તૈયાર થઈ ગયો હતો. હવે નિર્દેશકશ્રી ના આવવાની જ રાહ હતી. તેમના આવતા જ બધા સાવધ(તૈયાર) થઈ ગયા. ‘બધું તૈયાર છે?’ આવતા જ તેમણે પોતાના આસિસ્ટન્ટને(સહાયકને)પૂછ્યું.
‘હા સાહેબ!’ તેમણે તત્પરતાથી જવાબ આપ્યો.
‘એક વાર દ્રશ્યનું સંક્ષિપ્ત વર્ણન કરો.’
‘ જી, દ્રશ્ય એમ છે,કે માતા-પિતાનો પ્રિય દીકરો રિસાઈ ગયો છે, તેથી માતા-પિતા ખાવા-પીવાની વિવિધ વસ્તુઓ આપીને તેને મનાવી રહ્યા છે અને નાનો છોકરો ક્રોધ કરીને બધું ફેંકી રહ્યો છે.’
‘અને તે બાળ કલાકાર? તેનું શું થયું? તેને દવાખાનેથી રજા આપી દીધી?’
‘ નહિ સાહેબ, પરંતુ બીજા બાળકની વ્યવસ્થા કરી લીધી છે! અહીં બાજુની ઝુપડપટ્ટીમાંથી જ શોધી લીધો છે. છોકરાના માત્ર બે જ સીન છે. એક દિવસના 200 રૂપિયા આપીને બોલાવી લીધો છે.’
‘ કામ કરી લેશે?’
‘ હા સાહેબ, મેં બધું જ સમજાવી દીધું છે.’
‘ સારુ, ચાલો તો પછી શરૂ કરો,- લાઈટ….. કેમેરા…. એક્શન!’
‘ કટ, કટ, કટ!’
‘ હાથમાંથી નીચે નથી મૂકવાનું , ઉપાડીને ફેંકવાનું છે,’ એસિસ્ટન્ટે ક્રોધ પર કાબુ રાખતા કહ્યું, પહેલા કેક અને પેસ્ટ્રીને હાથ મારીને દૂર ફેંક, પછી દૂધનો ગ્લાસ પણ ઢોળી નાખ. બરોબર?’
‘ ચાલો, ફરી થી ,’ ડાયરેક્ટરે ગુસ્સે થઈને કહ્યું,- ‘એક્શન!’
‘ અરે રે! કટ! કટ! કટ! અરે તને સમજાવ્યું હતું ને? ફેંકી દે, નીચે પાડી દે!, આટલું જોઈ સંભાળીને શા માટે મૂકે છે?’
છોકરાએ રડતાં-રડતાં કહ્યું, ‘પહેલાં સાહેબે કહ્યું હતું, કે શૂટિંગ પછી ખાવાનો બધો જ સામાન હું મારા ઘરે લઈ જઈ શકું છું.’