अनुवादक: तृप्ति दवे जोशी અનુવાદક :ડો.તૃપ્તિ દવે જોશી
વર્ષોથી બાથરૂમને દરવાજો નહોતો. પરંતુ દરેકની આંખો પર શરમનો એક પડદો જરૂર રહેતો હતો. બિલ્ડીંગનો દરેક માણસ ત્યાંથી પસાર થતાં પહેલાં તપાસી લેતો કે બાથરૂમમાંથી પાણીનો અવાજ તો નથી આવતો ને, કોઈ સ્નાન તો નથી કરી રહ્યું ને!
દરેક સ્ત્રી પોતાની ધોતી કે સાડીનો પડદો લગાવીને સ્નાન કરી લેતી હતી; પરંતુ નવી આવનાર પુત્રવધૂ માટે આ શક્ય નહોતું. વારંવાર સમજાવીને પણ તેણે દરવાજો લગાવડાવી જ લીધો.
તે દિવસે, તે નિશ્ચિત થઈને સ્નાન કરી રહી હતી,ત્યારે દરવાજાની તિરાડોમાંથી બે આંખો તેના શરીરને શોધતી હોય તેવો અનુભવ થયો. મુશ્કેલી એ હતી કે એ નહોતી જાણી શકતી કે તિરાડમાંથી કોણ બેશર્મ જોઈ રહ્યું છે. તેણે તેના પતિને ફરિયાદ કરી તો તેણે વાતને હસી કાઢી,ને કહ્યું , “તને વહેમ થયો હશે, અહીં કોઈ એવું નથી. અને કદાચ હોય તો પણ હવે ફરી દરવાજો કાઢી તો નથી શકાતો, વિચિત્ર વાત કરે છે તું, ક્યારેક લગાવી દો, ક્યારેક કાઢી આપો.”
તે શાંત ન રહી, તેણે નક્કી કરી લીધું કે છુપાઈને જોનાર વ્યક્તિની તપાસ કરીને જ રહેશે. અને એક દિવસ વહેલી સવારે તે બાથરૂમ પર નજર રાખવા ધાબા પર જતી રહી. તે જોતી રહી, એક એક કરીને બિલ્ડીંગની બધી સ્ત્રીઓ બાથરૂમમાં જઈ રહી હતી અને થોડા સમયમાં જ કોઈ ને કોઈ બહાને ત્યાંથી પસાર થતાં દરેક પુરુષની નજર બાથરૂમની તિરાડોમાંથી અંદર તાકી રહી હતી.
એ કોઈને કઈરીતે કહે કે તેનો પતિ પણ તે જ પુરુષોમાંનો એક હતો. લાકડાના આ પડદાએ દરેકને ઉઘાડા પાડી દીધા હતા.
-0-